શ્રી ચંદ્રમુળેશ્વર મહાદેવ ઇતિહાસ




ઉમરાવતી નગરી (ઉમરેઠ) સ્થિત દક્ષિણ પૂર્વ દિશામાં આવેલું આ પ્રાચીન શિવાલય શ્રી ચંદ્રમૂળેશ્વર મહાદેવ સ્વયંભૂ છે.

ઇસ.પાંચમી સદીમાં એટલે કે ૧૫૦૦ વર્ષ પહેલાં ઉમરેઠ નગરની સ્થાપના ( ઇ.સ.૫૧૨) પહેલાં શ્રી ચંદ્રમૂળેશ્વર મહાદેવનું મંદિર હતું તેની હયાતીનાં પુરાવા હજીય યથાવત છે.

ત્યારબાદ આ મંદિરનો જીણોદ્યાર સંવત 1781 ચૈત્ર વદ સાતમને ગુરુવારે સિધ્ધરાજ જયસિંહની માતા મિનળદેવીએ કરાવેલ હોવાની દૃઢ માન્યતા છે.

શ્રી ચંદ્રમુળેશ્વર મહાદેવ ની વિશેષતા

આ પ્રાચીન શિવાલયમાં નિત્ય શણગાર દર્શનની સાથે વર્ષ દરમ્યાન ઘણા શિવોત્સવો થાય છે. નિત્ય સોમવાર,અમાસ ,સોમવતી અમાસ, મકરસંક્રાંતિ, પ્રદોષ, હોળી, મહાશિવાત્રિ,જેવા દિવસોમાં શણગાર દર્શનનું મહત્વ રહેલું છે.



વર્ષમાં બે વખત ભવ્ય મહાદેવજીની નગરયાત્રા મહાશિવરાત્રી તથા શ્રાવણ માસના છેલ્લા સોમવારે પાલખીમાં બિરાજમાન કરી નીકળે છે. ભગવાન શ્રી ચંદ્રમુળનાથ દાદાનું આ સ્વરૂપ દર્શનનો ખૂબ જ મહિમા છે. જે અશક્ત લોકો મંદિર માં દર્શન માટે નથી આવી શકતા તેઓ નગરયાત્રા દરમ્યાન દર્શન કરી ધન્યતા અનુભવે છે.
મંદિરનાં મુખ્ય દ્વાર આગળ બળિયાદેવ નું તથા શીતળા માતાનું પૌરાણિક મૂર્તિ મંદિર છે જ્યાં સમગ્ર ધર્મના લોકો બાધા પૂરી કરવા આવે છે.







સમગ્ર ચરોતર પંથકમાં ઉમરેઠ સ્થિત આ એક માત્ર સૌથી પૌરાણિક શિવાલય છે જે સૌની આસ્થાનું પ્રતિક છે. આ મંદિરમાં જે કોઈ આવી સંકલ્પ કરે છે તેમની સર્વ મનોકામના પૂર્ણ થાય છે.



આષાઢી તોલવાની પરંપરા

સમગ્ર ભારતમાં માત્ર કાશી અને આજ શિવાલયમાં આષાઢી તોલવાની પરંપરા છે. છેલ્લા ઘણા વર્ષોથી માત્ર અહીં જ આષાઢી તોલાય છે. ગુરુપૂણિઁમાના દિવસે દસ ધાન્ય એક એક તોલો તોલી પંચ સમક્ષ કોરા કપડાંમાં બાંધી માટીના ઘડામાં નિજમંદિરના ચમત્કારિક ગોખમાં મુકવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે સવારે નવ વાગ્યે આ ધાન્ય ફરી તોલવામાં આવે છે અને તેમાં વધઘટ થઈ જાય છે.આ થતી વધઘટ ઉપરથી ખેડૂતો સમગ્ર વર્ષ દરમ્યાન ખેતી કરતા હોય છે. આ વર્તારાને આષાઢી કહેવાય છે.

તહેવાર ની ઉજવણી


મહાશિવરાત્રીની રાત્રીએ ચાર પ્રહરની પુજા થાય છે ત્યારબાદ સવારે મહાદેવજીને મહાભોગ ધરાવી વર્ષમાં એક વખત થતી સવારની આરતીના દર્શનનું અનેરું મહત્વ છે.સાથે પવિત્ર શ્રાવણ માસમાં સોમવાર , જન્માષ્ટમી, રક્ષાબંધન તથા ખાસ અમાસે ઘીના કમળ સાથે ફુલવાડીના દિવ્ય શણગારના દર્શન નો મહિમા છે..

હર હર મહાદેવ

શ્રી ચંદ્રમુળેશ્વર મહાદેવ ના આશીર્વાદ અને સર્વની મનોકામના પૂર્ણ થાય.